Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

શ્રી શ્રી ગણપતિ મહોત્સવઃ વિઘ્નહર્તા દેવ અને વિઘ્નકર્તા માનવ!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

શ્રી ગણેશાય નમઃ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા!
ભગવાન ગણેશજી આપણા દરેક કાર્યને વિઘ્નમુક્ત કરે એ પ્રાર્થના સાથે સૌને ગણેશ ચતુર્થીની શુભકામના. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયાની સ્તુતિ બાદ સખેદ જણાવવાનું કે શ્રી શ્રી ગણપતિ મહોત્સવ આવે એટલે બધાને ઉમંગ થાય, પણ એક વિચાર કરો – આ મહોત્સવ શરૂ કેમ થયો હતો?
લોકમાન્ય તિલકનો ઉદ્દેશ – એકતા અને સંગઠન!
અંગ્રેજોના જમાનામાં સભા ભરવાની મનાઈ હતી. ત્યારે લોકમાન્ય બાલ ગંગાધર તિલકે ૧૮૯૩માં ગણપતિને ઘરમાંથી બહાર, ચોકમાં લાવ્યા. હેતુ એક જ હતો – લોકોને ભેગા કરવા. ગણપતિ બહાનું હતું, હેતુ સ્વરાજ્ય હતું. ભક્તિના નામે શક્તિ ભેગી કરવી એ તિલકનો ઉદ્દેશ હતો. તે વખતે પંડાલમાં ભજન થતા, કીર્તન થતા, પ્રવચન થતા. લોકો સંસ્કાર લઈને જતા.
પણ આજે શું થયું?
આજે ઉલ્ટું થયું છે. ગણપતિ આજે પણ વિઘ્નહર્તા છે, પણ માણસ વિઘ્નકર્તા બન્યો છે.
પંડાલ એટલે ન્યુસન્સ અને એનોયન્સનું ઘર!
હવે પંડાલમાં ભજનને બદલે ફિલ્મી ગીતો વાગે છે. મોટા મોટા ડીજે, ડોલ, ધમાલ. ભગવાન સામે જ ડીજે પર અશ્લીલ ગીતો પર નાચ થાય છે. જે પંડાલમાં આરતી થવી જોઈએ ત્યાં બિયરની બોટલ ફૂટે છે.
રસ્તો બંધ, માઈકનો ત્રાસ, આખી રાત લાઉડ સ્પીકર. બીમાર માણસ, નાનું બાળક, વિદ્યાર્થી વાંચી શકતો નથી. આ ધર્મ નથી, આ જાહેર ઉપદ્રવ છે. લાઇટના થાંભલા પર ગેરકાયદે કનેક્શન, રસ્તા વચ્ચે પંડાલ, ટ્રાફિક જામ. આ ત્રાસદાયક કૃત્ય છે.
વિસર્જન – સન્માનિત વિદાયને બદલે મસ્તી અને વ્યસન!
ગણપતિ વિસર્જન એટલે બાપ્પાને સન્માન સાથે વળાવવા. પણ આજે શું દેખાય છે? વિસર્જનમાં યુવકોની ટોળી દારૂ પીને નાચે છે. મોઢામાં ગુટકા, હાથમાં બોટલ, મસ્તી, ગાળાગાળી. બાપ્પાની મૂર્તિ ટ્રકમાં હાલકડોલક થાય છે. પાણીમાં ફેંકી દે છે. મૂર્તિના કેમિકલ કલરથી નદી પ્રદુષિત થાય છે.
જે બાપ્પાને ૧૦ દિવસ લાડ લડાવ્યા તેને છેલ્લે આવી વિદાય? આ જોઈને ધાર્મિક ભાવના અને લાગણીને ઠેસ પહોંચે છે.
ધર્મનો હેતુ શું?
ગણપતિ એ બુદ્ધિનો દેવ છે. તે આપણને શીખવે છે – વ્યસન છોડો, એકતા રાખો. પણ આપણે તેના નામે જ વ્યસન કરીએ છીએ, ઝઘડા કરીએ છીએ, કલેક્શનના નામે ધાકધમકી કરીએ છીએ. તિલકે ગણપતિને લોકમાન્ય બનાવ્યા હતા, આજે આપણે ગણપતિને લોકને ત્રાસ આપવાનું સાધન બનાવી દીધો છે.
સરકારે તથા શ્રી ગણેશ ઉત્સવ સમિતિએ પણ આ બાબતે ગંભીરપણે વિચારવું પડશે. પંડાલની પરમિશન, અવાજની લિમિટ, મૂર્તિની સાઈઝ, વિસર્જનની વ્યવસ્થા – આ બધા પર કડક નિયમ જોઈએ.
અને સૌથી મોટી વાત – ભક્તોએ જાગવું પડશે. પંડાલમાં ફિલ્મી ગીતોને બદલે ભજન વગાડો. આરતી કરો. વિસર્જનમાં શાંતિથી, ભાવથી, નશા વગર જાઓ.
ગણપતિ વિઘ્નહર્તા છે, તેને વિઘ્નહર્તા જ રહેવા દો. આપણે વિઘ્નકર્તા ન બનીએ! તો જ લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક થશે.
પ્રાર્થના શ્લોકઃ
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્ધિતાય ઼
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ઼઼
ગણપતિ બાપ્પા મોરયા – પણ ભાવથી બોલો, ઘોંઘાટથી નહીં!
ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તુ જલ્દી આ!
ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા!

Related posts

કળિયુગનું સ્ટેટસ સિમ્બોલઃ લાવો-ભગાવો રમત! MY LIFE IS MY WIFE & / or MY LIFE IS MY BALANCE

Master Admin

પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર હિંસા, રાજકીય અસ્થિરતા અને માનવ અધિકાર સંકટમાં ફસાયેલું છે

Master Admin

ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે પૂ. મોરારિબાપુની નિશ્રામાં યોજાશે

Reporter1

Leave a Comment

Translate »