Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
editorial

ડેટા સેન્ટરથી ડિજિટલ ક્રાંતિઃ ગુજરાત AI યુગનું નવું કેન્દ્ર બનશે?

તંત્રીની કલમે….

વિશ્વ આજે તેલથી નહીં, પરંતુ ડેટાથી ચાલે છે. એક સમય હતો જ્યારે જમીન, સોનું અને ખનિજ સંપત્તિને દેશની સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવતું હતું. આજે માહિતી એટલે શક્તિ, અને ડેટા એટલે નવી અર્થવ્યવસ્થાનો આધાર. આ જ બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી ૨૦૨૬-૨૯’ જાહેર કરીને રાજ્યને ભારતના અગ્રણી ડિજિટલ અને છૈં હબ તરીકે વિકસાવવાનો મહત્ત્વાકાંક્ષી સંકલ્પ વ્યક્ત કર્યો છે. નીતિનો હેતુ લાખો કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવાનો, વિશાળ ડેટા સેન્ટર ક્ષમતા ઊભી કરવાનો અને હજારો રોજગારીની તકો સર્જવાનો છે.

આ નીતિ માત્ર એક સરકારી જાહેરાત નથી, પરંતુ ગુજરાતની આગામી બે-ત્રણ દાયકાની આર્થિક દિશા નક્કી કરી શકે એવો ઐતિહાસિક નિર્ણય છે. દુનિયામાં કૃત્રિમ બુદ્ધિમત્તા (છૈં), ક્લાઉડ કમ્પ્યુટિંગ, ફિનટેક, ઇ-કોમર્સ, ડિજિટલ હેલ્થ અને સ્માર્ટ ગવર્નન્સનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે. આ તમામ ક્ષેત્રોની કરોડરજ્જુ ડેટા સેન્ટર છે. જ્યાં ડેટા સુરક્ષિત રહેશે, ત્યાં જ ભવિષ્યના ઉદ્યોગો ઊભા થશે.

ગુજરાતે છેલ્લા બે દાયકામાં બંદરો, માર્ગો, ઉદ્યોગો, ય્ૈંહ્લ્‌ સિટી અને ધોલેરા જેવા પ્રોજેક્ટોથી પોતાની વિકાસયાત્રા સાબિત કરી છે. હવે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આગેવાની મેળવવાનો પ્રયાસ શરૂ થયો છે. રાજ્ય સરકારે મૂડી સહાય, વીજદર પ્રોત્સાહન, કર રાહતો અને ઝડપી મંજૂરી જેવી સગવડો આપી વૈશ્વિક કંપનીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

આ ક્ષેત્રનો સૌથી મોટો લાભ રોજગારીમાં જોવા મળશે. ડેટા સેન્ટર માત્ર સર્વર રાખવાની ઇમારત નથી. તેમાં સોફ્ટવેર એન્જિનિયર, નેટવર્ક નિષ્ણાત, સાયબર સુરક્ષા વિશેષજ્ઞ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયર, ટેક્નિશિયન તેમજ અનેક સહાયક સેવાઓ માટે મોટી સંખ્યામાં કુશળ માનવશક્તિની જરૂર પડે છે. એટલે યુવાનો માટે નવી કારકિર્દીનું દ્વાર ખુલશે.
ખાસ કરીને ધોલેરાને વિશ્વના સૌથી મોટા ડેટા સેન્ટર શહેર તરીકે વિકસાવવાનો દાવો ગુજરાત માટે ગૌરવની બાબત બની શકે છે. જો આયોજન સમયસર અને અસરકારક રીતે અમલમાં મૂકાશે તો ધોલેરા માત્ર સ્માર્ટ સિટી નહીં, પરંતુ વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.

પરંતુ વિકાસની સાથે કેટલાક ગંભીર પ્રશ્નો પણ ઊભા થાય છે. ડેટા સેન્ટરોને સતત અને વિશાળ પ્રમાણમાં વીજળી તથા પાણીની જરૂર પડે છે. ગુજરાત પહેલેથી જ પાણીના સંચાલન અને ઊર્જા સંતુલન જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. તેથી ગ્રીન એનર્જી, સોલાર પાવર, પાણીના પુનઃઉપયોગ અને પર્યાવરણમૈત્રી ટેક્નોલોજી પર ભાર મૂકવો અનિવાર્ય બનશે. જો માત્ર રોકાણ માટે પર્યાવરણની અવગણના થશે તો ભવિષ્યમાં તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે.

બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે સાયબર સુરક્ષા. ડેટા એ નવી સંપત્તિ છે, તો તેની ચોરી પણ નવા યુગનો સૌથી મોટો ગુનો છે. સરકારી માહિતી, બેંકિંગ વ્યવહારો, આરોગ્ય માહિતી, ઉદ્યોગોની ગોપનીય વિગતો અને સામાન્ય નાગરિકોના ડિજિટલ જીવનનું રક્ષણ મજબૂત કાનૂની અને ટેક્નિકલ માળખા વિના શક્ય નથી. ડેટા સેન્ટરની સંખ્યા વધે એટલું જ સાયબર સુરક્ષામાં રોકાણ વધવું જરૂરી છે.

રાજ્યના શિક્ષણ ક્ષેત્ર માટે પણ આ નીતિ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. જો આવનારા વર્ષોમાં લાખો યુવાનોને છૈં, ડેટા સાયન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સાયબર સુરક્ષા જેવા વિષયોમાં તાલીમ નહીં આપવામાં આવે તો મોટા રોકાણ છતાં રોજગારીનો લાભ બહારના રાજ્યો અથવા વિદેશી નિષ્ણાતોને મળી શકે. તેથી ઉદ્યોગો અને યુનિવર્સિટીઓ વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરવું સમયની માંગ છે.

આ નીતિ ગુજરાતને માત્ર ઉદ્યોગપ્રધાન રાજ્ય નહીં, પરંતુ જ્ઞાનપ્રધાન રાજ્ય બનાવવાની તક આપે છે. જેમ ક્યારેક ગુજરાત વેપારનું કેન્દ્ર હતું, તેમ હવે તે ડિજિટલ અર્થતંત્રનું કેન્દ્ર બની શકે છે. પરંતુ સફળતા માત્ર નીતિ જાહેર કરવામાં નથી; પારદર્શક અમલીકરણ, સમયસર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવશક્તિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીમાં છે.

ગુજરાતે ઔદ્યોગિક વિકાસમાં દેશને અનેક વખત નવી દિશા બતાવી છે. હવે છૈં અને ડેટા સેન્ટરના યુગમાં પણ રાજ્ય પાસે આગેવાની મેળવવાની સુવર્ણ તક છે. પરંતુ વિકાસનો સાચો અર્થ ત્યારે જ સાકાર થશે જ્યારે રોકાણ સાથે રોજગાર, ટેક્નોલોજી સાથે માનવ સંસાધન, ડિજિટલ પ્રગતિ સાથે ડેટા સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ સાથે પર્યાવરણનું સંતુલન પણ જળવાશે. જો સરકાર, ઉદ્યોગ અને શિક્ષણ જગત મળીને આ દિશામાં આગળ વધશે, તો ગુજરાત ખરેખર ભારતના ડિજિટલ ભવિષ્યનું સૌથી મજબૂત કેન્દ્ર બની શકે છે.

નરેન્દ્ર જોષી

Related posts

તમિલનાડુમાં પરિવર્તનની લહેર – વિકાસવાદ અને રાષ્ટ્રવાદનો સમન્વય

Master Admin

ભારત-અમેરિકા વેપાર કરારઃ અવસર કે નવી નિર્ભરતાનો માર્ગ?

Master Admin

ઇસ્લામાબાદની મડાગાંઠઃ ટ્રમ્પની વિજયી હઠ, ઈરાનનું સ્વાભિમાન અને પાકિસ્તાનની જોખમી મધ્યસ્થી

Master Admin

Leave a Comment

Translate »