સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
માઁની એકાદશી ટાણે પિતાનું શ્રાદ્ધ હોવાથી, કરુણાજનક ઘટનામાં પિતૃ તર્પણ નિમિતે ખરો ચોર કોણ રહેલો છે!? એ ભૂખ- ભ્રષ્ટાચાર વચ્ચેનો અત્રે ભેદ ટાકે છે!
ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે પેટનો ખાડો પૂરવા માટે જો કોઈ એક મુઠ્ઠી અન્નની ચોરી કરે, તો તેને અપરાધ ન ગણવો, તે ક્ષમ્ય છે. આ વાતને આજના સંદર્ભમાં સમજવી ખૂબ જરૂરી છે.
ગુજરાતીના પ્રખ્યાત કવિ કરસનદાસ માણેકે આ જ વાતને કેવી સુંદર રીતે કહી છેઃ
“દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.”
આજની આ સત્યઘટના જેવી કથા એજ પંક્તિને સાર્થક કરે છે.
એક મોલના સુપર ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એક ગરીબ છોકરો ખૂબ જ ઓછા પગારે પેકિંગ ખાતામાં નોકરી કરતો હતો. તેની વિધવા માની અગિયારસ અને તેના સદ્ગત પિતાનું વાર્ષિક શ્રાદ્ધ બીજા દિવસે હતું. શાસ્ત્ર મુજબ તેને બ્રાહ્મણને જમાડવાનો હતો, પિતૃ તર્પણ કરવાનું હતું અને ઘરે દૂધપાક બનાવવાનો હતો. પણ ઘરમાં એક દાણો પણ નહોતો.
ભૂખ અને લાચારીમાં તેણે મોલમાંથી માત્ર ૨૫૦ ગ્રામ ચોખાનું નાનું પેકેટ, જેની કિંમત માંડ ૧૦ રૂપિયા હતી, ચોરી લેવાનો પ્રયત્ન કર્યો. કમનસીબે તે સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયો.
માલિકે તેને નોકરીમાંથી કાઢી મૂકતા પહેલા ઢોર માર માર્યો. વાત પોલીસ સ્ટેશને પહોંચી. પોલીસે જ્યારે ઊંડાણથી તપાસ કરી ત્યારે ખબર પડી કે ખરો ચોર તો આ છોકરો નહિ, પણ તેનો શેઠ જ હતો.
દિવાળીના તહેવાર ટાણે જ્યારે લોકો સૂકા મેવાના મોંઘા ગિફ્ટ બોક્સ લેવા આવતા હતા, ત્યારે આ શેઠ આ જ ગરીબ છોકરા પાસે બળજબરીથી ૫૦૦ ગ્રામને બદલે ૩૫૦ ગ્રામ વજનના પેકેટ પેક કરાવતો હતો. એટલે કે દરેક બોક્સમાં ૧૫૦ ગ્રામની સીધી ચોરી.
એક તરફ ૧૦ રૂપિયાની મજબૂરીની ચોરી અને બીજી તરફ લાખો રૂપિયાની આયોજનબદ્ધ લૂંટ. સમાજ કોને સજા આપે છે? જે દેવડી પર પકડાય છે તેને, અને જે મહેફિલમાં બેસીને લૂંટે છે તેને સમાજ માન આપે છે. આજના ન્યાય અને સમાજ વ્યવસ્થા સામે આ સૌથી મોટો સવાલ છે. ખરો ચોર કોણ?!
