Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

માઁની એકાદશી અને પિતાનું શ્રાદ્ધઃ પિતૃ તર્પણ નિમિતે ખરો ચોર કોણ!?

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

માઁની એકાદશી ટાણે પિતાનું શ્રાદ્ધ હોવાથી, કરુણાજનક ઘટનામાં પિતૃ તર્પણ નિમિતે ખરો ચોર કોણ રહેલો છે!? એ ભૂખ- ભ્રષ્ટાચાર વચ્ચેનો અત્રે ભેદ ટાકે છે!
ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે પેટનો ખાડો પૂરવા માટે જો કોઈ એક મુઠ્ઠી અન્નની ચોરી કરે, તો તેને અપરાધ ન ગણવો, તે ક્ષમ્ય છે. આ વાતને આજના સંદર્ભમાં સમજવી ખૂબ જરૂરી છે.
ગુજરાતીના પ્રખ્યાત કવિ કરસનદાસ માણેકે આ જ વાતને કેવી સુંદર રીતે કહી છેઃ
“દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.”
આજની આ સત્યઘટના જેવી કથા એજ પંક્તિને સાર્થક કરે છે.
એક મોલના સુપર ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એક ગરીબ છોકરો ખૂબ જ ઓછા પગારે પેકિંગ ખાતામાં નોકરી કરતો હતો. તેની વિધવા માની અગિયારસ અને તેના સદ્ગત પિતાનું વાર્ષિક શ્રાદ્ધ બીજા દિવસે હતું. શાસ્ત્ર મુજબ તેને બ્રાહ્મણને જમાડવાનો હતો, પિતૃ તર્પણ કરવાનું હતું અને ઘરે દૂધપાક બનાવવાનો હતો. પણ ઘરમાં એક દાણો પણ નહોતો.
ભૂખ અને લાચારીમાં તેણે મોલમાંથી માત્ર ૨૫૦ ગ્રામ ચોખાનું નાનું પેકેટ, જેની કિંમત માંડ ૧૦ રૂપિયા હતી, ચોરી લેવાનો પ્રયત્ન કર્યો. કમનસીબે તે સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયો.
માલિકે તેને નોકરીમાંથી કાઢી મૂકતા પહેલા ઢોર માર માર્યો. વાત પોલીસ સ્ટેશને પહોંચી. પોલીસે જ્યારે ઊંડાણથી તપાસ કરી ત્યારે ખબર પડી કે ખરો ચોર તો આ છોકરો નહિ, પણ તેનો શેઠ જ હતો.
દિવાળીના તહેવાર ટાણે જ્યારે લોકો સૂકા મેવાના મોંઘા ગિફ્ટ બોક્સ લેવા આવતા હતા, ત્યારે આ શેઠ આ જ ગરીબ છોકરા પાસે બળજબરીથી ૫૦૦ ગ્રામને બદલે ૩૫૦ ગ્રામ વજનના પેકેટ પેક કરાવતો હતો. એટલે કે દરેક બોક્સમાં ૧૫૦ ગ્રામની સીધી ચોરી.

એક તરફ ૧૦ રૂપિયાની મજબૂરીની ચોરી અને બીજી તરફ લાખો રૂપિયાની આયોજનબદ્ધ લૂંટ. સમાજ કોને સજા આપે છે? જે દેવડી પર પકડાય છે તેને, અને જે મહેફિલમાં બેસીને લૂંટે છે તેને સમાજ માન આપે છે. આજના ન્યાય અને સમાજ વ્યવસ્થા સામે આ સૌથી મોટો સવાલ છે. ખરો ચોર કોણ?!

Related posts

ભારત-યુરોપિયન યુનિયન મેગા ડીલ વૈશ્વિક દક્ષિણ અને બહુપક્ષીય વ્યવસ્થા માટે પણ નવી શક્યતાઓ ખોલશે.

Master Admin

પ્રભુ કે પ્રભુધારક સંતો પરિવર્તન કરનારા હોય છે.. તેમનો નિ:સ્વાર્થ પ્રેમ અસરકારક બનીને યુવાનને સન્માર્ગે વાળે છે.. તેમનો નિર્વ્યાજ પ્રેમ યુવાનને જવાબદાર બનાવીને પરિવાર અને સમાજને સાચવતા શીખવે છે

Reporter1

શું બ્રિક્સ નવા વિશ્વ વ્યવસ્થાનું એન્જિન બનશે? – શું ટ્રમ્પ ભારતના મહત્વપૂર્ણ ખનિજોના હિસ્સાથી હચમચી ગયા છે? – ??અમેરિકા, ચીન અને પશ્ચિમમાં ચિંતા વધી છે! – શું મહત્વપૂર્ણ ખનિજો વિશ્વનો માર્ગ બદલી નાખશે?

Master Admin

Leave a Comment

Translate »